ભાઈની બેની લાડકી..


       ભાઈ.. મારો પરેશભાઈ ક્યારે મને છોડીને જતો રહ્યો ખબર જ ના પડી.. 
       આ કેન્સર સાલી વસ્તુ બહુ જ ખરાબ છે.. એની સિગરેટોની એ ખરાબ આદતોએ જાણે એની જિંદગી એના શ્વાસ બધું જ છીનવી લીધુ.. આવડી મોટી દુનિયામાં મારો પોતાનો કહેવા જોવો એકમાત્ર સબંધ હોય તો એ મારો ભાઈ.. એજ તો મારો સહારો મારી દુનિયા હતો..
       મને હજુય યાદ છે જ્યારે એ પોતાની છતના કોઈ એક ખૂણે ઘરના લોકોથી છુપાઈને સિગરેટના સુટ્ટા લગાવતો ને ત્યારે હું એને સામેની મારી બાલ્કનીમાં થી પકડી પાડતી..
       ને જાણે હું એના ઘર તરફ દોડતી.. છત પર પહોંચતી ને ત્યારે જાણે એ એકદમ નાના બાળક બની મને કહેતા..
       "કેવી સિગરેટ યાર.. મેં તો સિગરેટ જોઈ પણ નથી.."
       ને હું એના પર ખીજાય પડતી..
       "જૂઠું ના બોલો.. તમારા મોંમાં થી હજુય સિગરેટની વાસ આવે છે.. છોડી કેમ નથી દેતા.."
       "અરે છોડી દીધી.. એ છેલ્લી હતી.." 
       ને ત્યાં જ દુકાને મોકલેલો તમારો નાનો આઠ વર્ષનો ભાઈબંધ બબલુ સિગરેટનું પેકેટ લઈને આવતો.. 
       "એ તો તમારી છેલ્લી હતી ને.. તો પછી આ.."
       એમ કહી હું બબલુના હાથમાંથી એ સિગરેટનું પેકેટ લઈ લેતી..
       એ કહેતા.. "અરે દિવું રૂક.. એ છેલ્લું પેકેટ બસ.."
       "હવે એકપણ નહીં.." એમ કરી હું એ સિગરેટનું પેકેટ છત પરથી નીચે ફેંકી દેતી.. 
       હું એમ જ એનાથી મોં ફેરવી જુલા પર બેસી જતી ને એ જુલા પાછળ આવી પ્રેમથી મને જુલો જુલાવતા ને જાણે ગાતા..
       "કોણ હલાવે લીમડી ને કોણ જુલાવે પીપળી ભાઈની બેની લાડકી એને ભઈલો જુલાવે ડાળખી.."
       ને હું એમ જ રિસાઈને કહેતી 
       "બસ બસ.. મારે નહીં જોઈતા તમારા આ લાડ.."
      "અરે કેમ.." એકદમ મારી પાસે આવી મારી આગળ બેસી એ પૂછતાં.. 
      "કેમ મારી બહેનને મારા લાડ નહીં ગમતા.."
      "તમે વચન આપેલું.. કે મારા આ જન્મદિવસ પર તમે મને નવો મોબાઈલ આપશો.. આપ્યો..?"
      "ઓહ મોબાઈલ.. એ તો સાલું મગજમાં થી જ નીકળી ગયું.."
      "પાંચ ટાઈમ સિગરેટ પીવાનું તો નહીં ભૂલતા તમે..?"
      "હવે તું પાછી સિગરેટ વચ્ચે લાવી કહ્યું તો ખરે કે એ મારી છેલ્લી હતી.." 
      "એમ નહીં વચન આપો.." એમ કહી મેં મારા હાથની હથેળી એની સામે ધરી.
      "ના આપી શકું યાર.. સિગરેટ છોડીવી સહેલી નથી.."
      "તો બહેન ને છોડી દો.. એ તો સહેલું છે ને.. આજથી ભૂલી જાવ કે તમારે દિવ્યા નામની કોઈ બહેન પણ છે.."
      એમ કહી હું જુલા પરથી ઉભી થઈ ત્યાંથી જવા લાગી..
      ને એ ગળગળા અવાજે મને રોકવા જાણે બોલી પડતા..
      "મારી માં આપ્યું વચન બસ.."
     હું રોકાઈ ગઈ એટલે મારી પાસે આવી એ આગળ કહેતાં.
     "પણ આ બહેનને છોડી દેવાની વાત આજ પછી ક્યારેય ના કરતી.. બહેન છે તું મારી.."
     મારી ભીની આંખે હું એને હેતથી ભેટી પડતી..
     એ પછી મને જુલા પર બેસાડી મારી બાજુમાં બેસી એ હસીને કહેતાં..
     "દિવું તને ખબર છે મેં આજ સુધીમાં લગ્ન કેમ નહીં કર્યા.."
     "કેમ..?"
     એ હસતાં હસતાં જ.. કહેતા..
     "સ્ત્રીઓ ના આ ઇમોશનલ સ્ટુપીડ ડ્રામાઓ કારણે.. 
     એને એની કોઈ વાત મનાવવી હોય એટલે આંસુઓ ને તો જાણે શસ્ત્રની જેમ ઉપીયોગ કરે.."
     ને હું એમની વાત પર હસી પડતી..
                       * * *
     આમ તો એ મારા સગાભાઈ નોહતા.. બસ એમણે મને બહેન માની હતી.. હું એની માનેલી બહેન હતી.
     મને હજુય યાદ છે. હોળીનો એ કાળોદિવસ જ્યારે મારી એક ચીંખ સાંભળી એ મારી વાહરે મને એ લોકોથી બચાવવા આવેલા..
     એ દિવસે સાંજે હું ઘરેથી બહાર નીકળી ને ત્યારે જ સુમસામ રસ્તાનો ફાયદો ઉઠાવી કેટલાક વાસના ભૂખ્યા કુતરાઓ નશામાં ધૂત બની મારી આગળ પાછળ ફરવા લાગ્યા. મારા શરીરને અડપલા કરી જ્યાં ત્યાં મને બળજબરી પૂર્વક રંગ લગાવવા લાગ્યા.. ને હું જાણે ડરની મારી એમની સામે હાથ જોડી કરગરવા લાગી..
     "ભાઈ મને જવા દો પ્લીઝ..   હું તમારી બહેનજેવી.."
     એ તો જાનવરો હતા.. મને જાણે ખભે ઊંચકી એ લોકો બળજબરી પૂવર્ક ત્યાં આવેલા એક જુના ખન્ડેરોમાં લઈ ગયા.. 
     કોઈ નિર્જીવ વસ્તુની માફક મને નીચે ફેંકી ને એક માણસ મારા પર જાણે કુદી પડ્યો..
    ને હું મોટેથી ચીંખી..
    "બચાવો..."
    એ મારી ચીંખ સાંભળી ને જ.. 
     હાથમાં એક મજબૂત દંડો લઈ એ આવ્યા..
     મારા પરેશભાઈ..
     "છોડ એ છોકરી ને.."
     "કોણ છે તું..?" 
     એ મવાલીના આ સવાલના જવાબમાં એમણે શુ કહ્યું ખબર છે.. 
     "ભાઈ છું હું એનો.."
     એ પછી એણે એ લોકોને મારી મારીને અધમુવા કરી મુક્યાં.. ને મને પોતાની ગાડીમાં મારા ઘરે છોડી..
     આમ તો આ આવડા મોટા શહેરમાં એમના ઘરની એકદમ સામેના એક ફ્લેટમાં હું એકલી જ રહેતી.. 
     એ ફ્લેટ મારા માસીમાં નો હતો.. એજ માસીમાં જે હાલ અમેરિકા રહેતા..
       આમ તો મારા પરેશભાઈ જ મારા માટે બધું હતા.. આવડી મોટી દુનિયામાં એ એક જ હતા જે મારી દરેક ફરિયાદો સાંભળતા.. જે મારી દરેક જીદને પુરી કરતા.. જે મને જીવથી પણ વધારે વહાલા હતા..
                       * * *
       આજે સફેદ કપડામાં લપેટાયેલી એક લાશ બની એ મારી સામેં પડ્યા છે..    
       એ નથી રહ્યા એની સાક્ષી પૂરતું એક માત્ર નિર્જીવ શરીર જેને વળગીને હું માત્ર પોક મૂકી રડી શકું..
      આમ તો એના કેન્સર વિશે કોઈને નોહતી ખબર મને પણ નહીં.. આવડી મોટી વાત એણે જાણે અમારા બધાથી છુપાવી.. છેક મારી વિદાય સુધી..
     મારા લગ્નની તૈયારીઓ માં વ્યસ્ત એને જ્યારે ખબર પડી કે હું રડી રહી છું ત્યારે બધા કામો પડતા મૂકી મારી પાસે આવ્યા..
    "દિવ્યા.."
    દરવાજે આવેલા પરેશભાઈ ને જોતા જ મેં મારા આંસુ લૂછી નાખ્યા.. 
    એને પહેલેથી જ આંસુ જરાય ના ગમતા.. જ્યારે પણ કોઈની આંખ છલકતી એ પોતાનો રૂમાલ આગળ કરી દેતા..
    રૂમમાં અંદર આવી મારી પાસે બેસી મને કહેતાં,
    "દિવું, તને ખબર છે હું છેક છે ને બાળપણમાં રડેલો એ પછી હું ક્યારેય રડ્યો જ નહીં.."
    "ભાઈ દુઃખને છુપાવવા કરતા રડી લેવું સારું રડવું એ એકજાતની લાગણી જ તો છે.."
    "હેય પુરુષો ક્યારેય રડે નહીં.."
    એવું કોણે કહ્યું.. 
    "ખબર નહી પણ આ આંસુ માણસને કમજોર બનાવે એ મને જરાય નહીં ગમતું.. હું કમજોર નથી એની સાબિતી માટે જ હું ક્યારેય રડતો નહીં..,"
    "મારી વિદાય વખતે પણ નહીં..?"
    "નહીં.. ક્યારેય નહીં.."
    "તમે ભલે ના રડો પણ હું તો રડવાની છું.." 
    એ મારા પર ગુસ્સો કરતા કહેતા..
    "ખબરદાર.. ખબરદાર જો તે વિદાયમાં એકપણ આંસુ પાડ્યા છે તો.. દિવું તારો રડતો ચહેરો હું જોઈ જ ના શકું.."
   ને હું કહેતી..
   "ભાઈ, રડવું તો મારે પણ નથી તો પણ રડાય જશે જોજો ને તમે ભલે આજસુધી કયારેય ના રડ્યા હોવ પણ મારી વિદાય વેળાએ તમારી આંખો સૌથી પહેલા છલકાશે.."
   "બસ હો.. મને વધારે ઇમોશનલ ના કર.. મારે બહુ કામો છે." એમ કહી એ ફરી મારા લગ્નના કામોમાં વ્યસ્ત થઈ ગયા..
                       * * *
     એણે એનું વચન તોડ્યું.. હા વચન જ તોડ્યું. મને અમેરિકા મોકલ્યા બાદ એણે ફરી સિગરેટ ચાલુ કરી દીધી..
     આ વાતની જાણ મને છેક ત્યારે થઈ જ્યારે હું એકવર્ષ પછી મારા પ્રેમી પ્રશાંત સાથે  અમેરિકાથી પાછી ફરી..
     એ મને એરપોર્ટ લેવા આવેલા.. 
     ફ્લાઇટ પંદર મિનિટ મોડી હતી તો એણે ત્યાં જ એરપોર્ટ બહાર સિગરેટના એક બે કસ લગાવી લીધા..
     પ્રશાંત સાથે મને આવતી જોઈ ફટાફટ સિગરેટ ફેંકી એ મને મળવા દોડ્યા..
     લગભગ એક વર્ષ.. લગભગ એક વર્ષ પછી હું એમને જોઈ રહી હતી એટલે હું દોડીને એને ગળે લાગી.. ને ત્યાં જ એના મોંમાં થી આવતી વાસથી જ મને જાણ થઈ કે એમણે ફરી સિગરેટ પીધી છે..
      ને ત્યારે જ હું એનાથી દૂર થઈ ગઈ..
      "તમે તમારું વચન તોડ્યું..?"
      "ના દિવું એવું નથી આ તો.."
      "બસ.."
      એમ કહી હું.. મારા પ્રશાંતનો હાથ પકડી સામાન સાથે એરપોર્ટની બહાર નીકળી ગઈ એ મને રોકવા આવજ કરી લગભગ આમારી પાછળ દોડ્યા..
      "દિવું.. હેય દિવું.. ઉભી રે.."
      પણ મેં પાછળ ફરીને એમની તરફ ના જોયું..
      એ વખતે એ પોતાની ગાડી લઈને અમને લેવા એરપોર્ટ આવેલા પણ એમની સાથે ગાડીમાં ના જતા હું પ્રશાંત સાથે ટેક્સીમાં ઘરે જતી રહી..
     લગભગ સાત દિવસ.. લગભગ સાત દિવસ મેં એમની જોડે વાત ના કરી આખરે પ્રશાંતના સમજાવવા થી હું પરેશભાઈને મળવા, એમની સાથે વાત કરવા પ્રશાંત સાથે એમના ઘરે પહોંચી..
     "તમે વચન આપેલું.. કે તમે સિગરેટને હાથ નહીં લગાવો.."
     ને ત્યારે.. એ જાણે પહેલીવાર મારી પાસે બેસી રડી પડેલા..
      "શુ કરું તારા ગયા પછી મને અહીં કોઈ રોકવાવાળું જ નોહતું.."
      ને હું ભીની આંખે એમને વળગી પડી..
                       * * *      
      મારા પ્રશાંત સાથે એમણે ખૂબ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા.. ને આખરે વિદાય વેળાએ જાણે એના આંસુ ના સુકાયા.. એમને છોડીને હું જાણે જવા જ નોહતી માંગતી ને..
     જાન વિદાય થઈ હું પ્રશાંતના ઘરે પહોંચી ને એજ રાત્રે ફોન આવ્યો કે..
     પરેશભાઈ નથી રહ્યા ને..
     એમને ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે છેલ્લા છ મહિનાથી એ કેન્સર સામે લડતા હતા ને આખરે એમનું કેન્સર એમને ભરખી ગયું. એજ મજબૂત મનના માનવીને આ કેન્સર કમજોર બનાવી જાણે પોતાની સાથે લઈ ગયું.. 
     આજે ઘણીવાર છતના જુલા પર હું કોઈ બુક લઈ બેઠી હોવ ને અચાનક એવો ભાસ થાય કે મારા પરેશભાઈ પ્રેમથી મને હજુય જુલો જુલાવી એમનું એ ગીત એમ જ ગાઈ રહ્યા છે..
     કોણ હલાવે લીમડી ને કોણ જુલાવે પીપળી.. 
    ભાઈની બેની લાડકી એને ભઈલો જુલાવે ડાળખી..
                     
                         સમાપ્ત
©PareshMakwana
          વાંચક મિત્રો તમને આ ભાઈ બહેનની અત્યંત લાગણીશીલ વાર્તા કેવી લાગી એ અંગે તમારો પ્રતિભાવ જરૂરથી આપજો.. અથવા તો તમે તમારા અંગત પ્રતિભાવ મને વોટ્સએપ કરી શકો છો.. 
mo. 7383155936
     

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

લોકપ્રિય પોસ્ટ્સ