પુત્ર ઝંખના


 
  
      ‛અવી, તું જે કહે એ.. પણ આપણે ને તો દીકરો જ થશે..’
      વૈદેહીની વાત પર અવિનાશ થોડો ગુસ્સે થયો..
      ‛દીકરો દીકરી.. શુ વૈદેહી..! જે પણ હશે એ આપણું જ બાળક હશે ને..?’
      પણ વૈદેહીની પુત્રઝંખના એટલી તીવ્ર હતી કે.. એણે અવિનાશને ચોખ્ખુ કહી દીધું.
      ‛સાંભળ, મારે દીકરો જોઈએ છે અને જો દીકરી આવી તો હું એને કોઈપણ હાલમાં એક્સેપ્ટ નહીં કરું..’ 
      
        દિવસે ને દિવસે વૈદેહીની દિકરા પ્રત્યેની ઝંખના વધ્યે જતી હતી.. પહેલી ડિલિવરી વખતે જ એણે એક દીકરાને જન્મ તો આપ્યો પણ એ દીકરો મરેલો જન્મ્યો એ પછી દીકરા પ્રત્યેની એની ઝંખનાએ હદે વધી કે... એણે બે વાર અબોર્શન કરવી પોતાની દીકરીઓ ને ગર્ભમાં જ મારી નાખી.. 
         આ વખતે પણ ગેરકાયદેસર પોતાના ગર્ભની તપાસ કરવા માંગતી હતી પણ એ માટે અવિનાશ જરાય તૈયાર ન થયો.. 
         એણે પણ કહી દીધું કે..
        ‛અવી જો દીકરી આવશે તો હું એને ફેંકી દઈશ યાદ રાખજે...’
         એના એ શબ્દો હોસ્પિટલની બહાર બેઠાલા અવિના કાનમાં સતત ગુંજતા હતા..
         થોડીવારમાં જ અંદરથી નર્સ એક ફૂલ જેવી દીકરીને લઈને બહાર આવી.. અને એણે અવિનાશના હાથમાં એની દીકરી સોંપતા કહ્યું..
        ‛મુબારક હો મિસ્ટર ગાંધી.. આપકો લડકી હુઈ હે..’     
        પોતાની દીકરીનો ફૂલ જેવો માસૂમ ચહેરો જોતા જ.. એણે એને પોતાની ગોદમાં ઉઠાવી લીધી.. 
        એજ ક્ષેણે એણે મનોનમ વિચારી લીધું કે એક પિતા તરીકે હું મારી લાડલીને દુનિયાની દરેક ખુશી આપીશ. પણ બીજી જ ક્ષેણે એને વૈદેહીનો વિચાર આવ્યો.. 
        વૈદેહીને જાણ થશે કે એણે એક દીકરાને નહીં પણ એક દીકરીને જન્મ આપ્યો છે તો..? દીકરાની ઝંખનામાં એ પાગલ થઈ ગઈ છે..  એ કઈપણ કરી શકે છે..
        આખરે એજ ક્ષણે એણે ડોકટર સાથે વાત કરી.. ડોકટર રવિ એનો પરમ મિત્ર અને એ વૈદેહીને પણ સારી રીતે ઓળખતો એટલે એણે એજ ક્ષણે.. ત્યાં એજ પળે જન્મેલા એક બાળક સાથે એ બાળકીને બદલી નાખી.. 
      પોતાની ફૂલ જેવી લાડલી જેને ગોદમાં લેતા જ એ એક સંપૂર્ણ પિતા બની ગયો એજ કાળજાના કટકાને એક જ ક્ષણમાં પોતાના થી દુર થયેલી જોઈ અવિનાશ અંદરથી ભાંગી પડ્યો..

     વૈદેહીએ જ્યારે સ્વસ્થ થઈ આંખો ખોલી ત્યારે એની નજર એના દીકરાને જોવા બેતાબ હતી.. કઠણ કાળજે એજ ઘોડિયામાં પોતાની ફૂલ જેવી દીકરી મૂકી અવિનાશે એમાંથી દીકરો લીધો.. એને ઉઠાવી એણે વૈદેહીના ખોળામાં મુક્યો.. 
       એક દીકરો જણીને તો માનો એ ખુશીથી પાગલ થઈ ગઈ.. 
       ‛અવી.., આ જો આપણો દીકરો..’
       અને આજે આટલા વર્ષો બાદ એજ દીકરો.. પોતાને અને પોતાની વ્હાલસોયી માંને એક ઘરડાઘરના ગેઇટ પર ઉતારી ચાલ્યો ગયો.. 
       રસ્તાની વચ્ચે સડસડાટ પાછી જતી એના દીકરાની લક્ઝ્યુરિયસ કારને જોઈ.. અવિનાશ સામે એના ભૂતકાળ ફરી ત્રાદર્શ થયો..
        એક તરફ લાડકોડથી ઉછરેલો એનો સ્મિત.. અને એક તરફ એક ગરીબ માં રાધાના ખોળામાં એકદમ દયનિય હાલતમાં ઉછરતી એની લાડલી દીકરી સુમન. 
        ઘણીવખત પોતાની લાડલીને રાધાના પડખામાં રાતના અંધકારમાં ફૂટપાથ પર સુતેલી જોઈ એને બહુ જ લાગી આવતું.. પછી એણે રાધાને પોતાને ત્યાં કામ પર રાખી.. એજ વિચારીને કે.. સુમન આંખ સામે રહશે તો એ સુમનને યોગ્ય ભવિષ્ય આપી શકશે..
       પણ રાધા બહુ જ સ્વાભિમાની જેટલું કામ કરતી એટલું જ લેતી.. અવિનાશ ઘણીવાર પોતાની સુમન ખાતર એને વધારે પૈસા દેતો.. પણ એ પાછા કરી દેતી.. 
       કહેતી કે.. ‛જેટલી ચાદર એટલા જ પગ બહાર કઢાય.. બે ટકનું જમવવાનું મળી રહે એ પૂરતું છે અમારે માટે..’
      
      જ્યારે સુમન થોડી મોટી થઈ.. એટલે સ્મિતની સાથે અવિનાશે એને પણ ભણાવવાની વાત કરી.. પણ એ માટે વૈદેહી એ સાફ ના પાડી દીધી..
     ત્યાં રાધા પણ ઉભી હતી અને એણે રાધાની સામે જોઇને જ કટાક્ષ કરેલો કે..
     ‛ભણાવવાની શુ જરૂર છે.. અવી, નોકરાણીની દીકરી છે. નોકરાણી જ બનશે..’
     વૈદેહીની વાત સાંભળી.. રાધાને ઘણું જ દુઃખ થયું.. અને એણે એજ દિવસથી એ ઘરે કામ કરવાનું છોડી દીધું.. 
     
    એ પછી એના જીવનનું એક જ ધ્યેય હતું કે.. સુમનને મારી જેમ નોકરાણી તો નથી જ બનાવવી..
    ચાર ઘરના કામ કરી, ફેક્ટરીમાં તનટોડ મહેનત કરી એણે પોતાની સુમને કલેક્ટર બનાવી..
     આ તરફ વૈદેહીના ખૂબ જ લાડપ્યારમાં ઉછેરલો સ્મિત.. એશોઆરામની જિંદગી જીવતો મોટો થયો.. વિદેશ ગયો અને ત્યાંનો જ થઈ ને રહી ગયો.. 
     એના માં બાપ વૃદ્ધ થયા અને એના બાળકો મોટા થયા ત્યારે એ આવ્યો.. 
     વૈદેહીને તો એમ કે.. હવે દીકરો, વહુ પૌત્ર પૌત્રી બધા સાથે રહીશું.. પણ એમનો દીકરો ખુદ એને.. લઈ નીકળી ગયો એમ કહી ને કે.. 
      ‛મોમ ડેડ.. મારો પરિવાર નથી ઇચ્છતો કે.. તમે લોકો અમારી સાથે રહો.. આ ઉંમરમાં તમે જશો પણ ક્યાં.. એટલે મેં અને રોઝીએ તમને ઘરડાઘરમાં મુકવાનું વિચાર્યું..’
      દીકરાના મોઢે.. આટલું સાંભળી.. પાછળ અવિનાશ સાથે બેઠેલી વૈદેહીથી એક ડૂસકું ભરાઈ ગયું..
      સ્મિતે અરીસામાં જોયું એટલે કહ્યું..
       ‛ડોન્ટ ક્રાય મોમ, અમે આવીશું ને.. તમને મળવા.. દર  વર્ષે આવીશું..’
       અવિનાશે વૈદેહીનો હાથ પકડ્યો.. એને હિંમત આપી.. 
        
       થોડીવારમાં જ એમને ઘરડાઘરના ઝાંપે ઉતારી સ્મિત ચાલ્યો ગયો.. 
       વૈદેહીનો હાથ પકડી.. અવિનાશ ધીમે પગલે.. ઘરડાઘરના દરવાજા અંદર જ જતો હતો ત્યાં..
      એના કાન પર એક જાણીતા મીઠા અવાજના બોલ પડ્યા.. 
       
       ‛મમ્મી પપ્પા..,’ આટલો મીઠો આવજ તો પોતાની સુમનનો જ હોઈ શકે.. એમ વિચારી અવિનાશે ધીરે રહીને પાછળ જોયું..
      તો ખરેખર પાછળ એક આલીશાન કારના દરવાજા પાસે રાધા અને એની સુમન ઉભી હતી.. 

     રાધાને સુમન સાથે જોઈ.. વૈદેહીને પોતાના કડવા શબ્દો યાદ આવ્યા અને જાણે એ પોતાની જ નજરોમાં ઉતરી ગઈ.. 
     સુમન દોડીને વૈદેહી અને અવિનાશ પાસે આવી.. એમની પાછળ રાધા પણ ત્યાં આવી...
    અવિનાશનો કરચલીવાળો સહેજ ધ્રૂજતો હાથ પકડી.. સુમન રડી પડી..
    રાધાએ જ એને કહ્યું..
    ‛ભાઈ સાહેબ, આ તમારી જ દીકરી છે.. સુમન..’ 
    ‛હા.. પપ્પા, રવિ અંકલે મને બધું જ કહી દીધું છે...’
    વૈદેહી કઈ સમજે એ પહેલાં જ.. અવિનાશે એને બધું જ સત્ય કહી દીધું.. 

    ત્યારે એને બધી જ વાસ્તવિકતાનું ભાન થયું.. દીકરાની ઝંખનામાં પાગલ બનેલી એ, એ તો ભૂલી જ ગઈ.. કે બાળપણમાં જે એની આંખ સામે હતી એ એની પોતાની જ દીકરી હતી..
     એણે એજ ક્ષણે સુમનને છાતી સરખી ચાંપી લીધી.. 
     એણે રાધાની પણ બે હાથ જોડી માફી માંગી.. 
     રાધાએ એને માફ કરી.. 
     ખરેખર દીકરી કે દીકરો શુ ફરક પડે છે.. જે હોય એ.. જો એને યોગ્ય સંસ્કાર અને પરવરીશ મળી રહે.. તો માં બાપની લાઠી બનવાના જ.. 
     એ પછી સુમન જાતે જ.. રાધામાં ની સાથે પોતાના મમ્મી પપ્પાને હંમેશાને માટે પોતાના ઘરે લઈ ગઈ.. 
                        સમાપ્ત
©Paresh Makwana 
    

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

લોકપ્રિય પોસ્ટ્સ