પપ્પાની લાડલી


        મમ્મી ના અવસાન પછી પપ્પા પર બધા જ સંબંધીઓ નું ખૂબ પ્રેસર હતું કે તેઓ બીજા લગ્ન કરી લે કેમ કે એ વખતે હું માત્ર પાંચ વર્ષની હતી. મારી દેખરેખ ને ઉપરથી ઓફીસ અને ઘરની જવાબદારીઓ, છતાં પપ્પાએ બધું જ એકલા મેનેજ કરી લીધું કારણ કે એને મન ડર એ વાત નો હતો કે કદાચ સાવકી માં મારી લાડલી ને એક માં જેવો પ્રેમ ના પણ આપી શકે.. એટલે જ એણે માં અને બાપ બન્નેની જવાબદારી પોતે ઉપાડી, મને પાળી પોષી ને મોટી કરી, ભણાવી ગણાવી આજે એક સફળ ડોક્ટર બનાવી.. 
        મારા પપ્પા જયેશભાઇ, આમ એક શબ્દમાં કહું તો એ મારા હીરો છે. હું એના વિના કઈ જ નથી, એટલે જ એમની સૌથી વધારે ચિંતા બસ મને..
        રાત્રે જ્યારે હું ઘરે પહોંચી તો પપ્પા હોલમાં બેઠા બેઠા સિગરેટના ધુમાડા ફૂંકતા હતા. મેં ઘરમાં પગ મુકતા જ ફરિયાદના સુરમાં કહ્યું.
    ''પપ્પા, તમે ફરી સિગરેટ ને હાથ લગાવ્યો..''
          પપ્પાએ મારી સામે જોયું અને પછી.., મારો ગુસ્સો જોઈ એણે નાના બાળકની જેમ માસુમિત થી કહ્યું.. 
          ''દિપુ , આજે ના ખિજાતી.., આજનો દિવસ પી લેવા દે કાલથી હું ચોક્કસ છોડી દઈશ.''
           બેગ મૂકી હું એમની પાસે ગઈ.., 
          ''પપ્પા તમે આવું રોજ કહો છો..અને રોજ હું એમ માની ને કાઈ નથી બોલતી કે તમે કાલે છોડી દેશો. પણ હવે બહુ થયું.. તમારે આ સિગરેટ છોડવી પડશે.''
            એમણે મારી સામે જોઈ કહ્યું.
            ''કાલે નહીં પિવ બસ.'
       એમની સામે બેસી મેં એમને સમજાવતા કહ્યું.
                ''પપ્પા, તમને ખબર છે રોજના લાખો માણસો માત્ર આ સિગરેટના ધુમાડાને કારણે મરે છે. આનાથી કેન્સર થાય છે..''
                પપ્પાએ સામે ગ્લાસ ટેબલ પર પડેલ સિગરેટના બોક્સ પર નજર કરતાં કહ્યું.
                  ''હા.., એવું લખ્યું પણ છે પેકેટ પર..''
                  ''લખ્યું છે તો પણ પીવો છો...?''
                 મારા સવાલના જવાબમાં એ મને જોઈ રહ્યા.
                 ''આદત દિપુ આદત.., આદત આટલી જલ્દી તો નથી છૂટતી ને.., પણ તું ચિંતા ના કર હું કાલ હું આદત છે ને છોડી દઈશ.''
           મેં ઉભા થઈ એમની સામે સ્મિત કરતાં કહ્યું. 
         ''ઓકે તો કાલથી આ સિગારેટના ધુમાડા બંધ..'''
           એમણે મારી વાત પર ડન કરતા કહ્યું.
               ''બંધ દિપુ.., ચોક્કસ બંધ..''

              પણ કહેવાય છે ને આદત આટલી જલ્દી નથી છૂટતી પપ્પાની આદત ના જ છૂટી એમણે મારા થી છુપાઈ છુપાઈ ને પણ સિગરેટ પીવાનું ચાલુ જ રાખ્યું. આ વાત મારાથી વધારે સમય ના છુપી રહી.. મને ખબર પડી જ ગઈ કે એમણે હજુ સિગરેટ પીવાનું નહીં બંધ કર્યું.
            એક દિવસ પપ્પા એના રૂમમાં મારા થી છુપાય રોજની જેમ સિગરેટ પી રહ્યા હતા ને અચાનક જ હું ત્યાં એમના રૂમમાં એમની સામે જઈ પહોંચી. મેં એમને આજે રંગે હાથે પકડાયા. એમની સામે સ્મિત કરતાં હું એમની સામે બેડ પર પગ પર પગ ચડાવી ને બેઠી, મને જોતા જ એણે તરત જ સિગરેટ ફેંકી, એના પર પગ મૂકી ઓલવી નાખી..
               મેં હસીને કહ્યું 
            ''અરે પપ્પા, કેમ ફેંકી દીધી.. તમ તમારે પીવો બિન્દાસ...''
         મારી પાસે આવી મારી બાજુમાં બેસતાં એમણે કહ્યું.
            ''ના આજ થી સિગરેટ બંધ.. સાવ બંધ..''
            મેં એમના કુરતામાં ના ખીસામાં થી સિગરેટ નું પેકેટ કાઢ્યું 
           ''શુ બંધ પપ્પા, હવે મેં પીવાનું ચાલુ કર્યું ને તમે બંધ કરી દેશો નહીં ચાલે.. તમે પણ ચાલુ રાખો એટલે બાપ દીકરી બન્ને સાથે બેસીને સિગરેટ પીએ..''
            એમ કહી મેં સિગરેટના પેકેટમાં થી એક સિગરેટ કાઢી., આંગળીઓ મા ફેરવી.., એ મને રોષભેર જોઈ રહ્યા..
              ''પપ્પા લાઈટર તો છે ને..?'' 
       એમણે મારા હાથમાં થી સિગરેટ આંચકી લીધી..
        ''દિપાલી, ગાંડી થઈ છે કે શુ તું સિગરેટ પીવે છે. તને ખબર છે સિગરેટ પીવાથી કેન્સર થાય છે..''
          મેં સિગરેટના પેકેટમાં જોઈ કહ્યું.., 
         ''હા પપ્પા, આજ જોવ લખ્યું છે પેકેટ પર પણ આજથી તમે જે કરશો એ જ હું કરીશ. તમે સિગરેટ પીશો તો હું પણ પીશ તમે દારૂ પીશો તો હું એ પણ પીશ.''
                 મારા પર ગુસ્સે થતા એમણે કહ્યું.
                ''મારો વદાળ ના કર..''
         એ સિગરેટનું પેકેટમાં થી બીજી સિગરેટ કાઢતા મેં પપ્પા સામે જોઈ કહ્યું.
           ''પપ્પા, એક દીકરી હંમેશા પિતાનો પડછાયો હોય છે. એ નાતે પિતાની ટેવો ફુટેવો બધું જ દિકરીમાં હોય છે. તમે સિગરેટ નહીં છોડી શકતાં તો પછી હું શુ કામ છોડું..'' 
             પપ્પા એ ગુસ્સામાં મારી હાથમાં થી સિગરેટ અને સિગારેટનું પેકેટ આંચકી લીધું. અને બારીએ થી બહાર ફેંકતા એમણે કહ્યું.
            ''દિપાલી, આજ થી સિગરેટ બંધ ના હું પીશ.. કે ના તું પીશ સમજી ગઈ..''
             મેં એમની સામે હસતાં કહ્યું.
          એકવાર વિચારી લો પપ્પા, આદતો આટલી જલ્દી નહીં છૂટતી, તમે પીશો તો તમારી પાછળ હું પણ પીવાની.., અને કાલ સવારે મને એની લત પણ લાગી શકે છે..''
             પપ્પા એ કહ્યું.., 
             ''બંધ એટલે બંધ..''
         એમ કહી એમણે એ મને વ્હાલથી ભેટી પડ્યા.
          એ દિવસ, પછી આજ સુધી પપ્પાએ ક્યારેય સિગરેટની હાથ નથી લગાવ્યો એમનું કહેવું છે કે 
         ''સિગરેટ પર લખેલી ચેતવણી વાંચ્યા પછી પણ કોઈ માણસ એને પીવે તો એ ખરેખર મૂર્ખ છે. અને અત્યાર સુધી હું પણ એ મૂર્ખ માણસો માં થી જ એક હતો. આ તો મારી લાડલીએ મને સમજાવી, સમજદારી તરફ વાળ્યો.'' 
                        સમાપ્ત

©Paresh Makwana

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

લોકપ્રિય પોસ્ટ્સ